રાજયભરમાં અનામતના મુદ્દે પાટીદારો બાદ બ્રહ્મ સમાજ-ક્ષત્રિય સમાજે એલાને જંગ કર્યુ છે. ગુરુવારે બપોરે સુરેન્દ્રનગર મુખ્ય માર્ગો ઉપર બ્રહ્મ સમાજ અને ક્ષત્રિય સમાજની બોર્ડ-બેનર્સ સાથે સુત્રોચ્ચાર પોકારતી વિશાળ રેલી યોજાઈ હતી. આ રેલી કેલેકટર કચેરીએ ધસી જઈ બંને જ્ઞાતિ સમાજના આગેવાનોએ કલેકટરને કચેરી નીચે આવી આવેદનપત્ર સ્વીકારવાનું કહેતા કલેકટરે કચેરીના ગેઈટ ઉપર આવેલ બંને જ્ઞાતિ સમાજના અનામત સમાવિષ્ટ મુદ્દે આવેદનપત્રો સ્વીકારીને આ લાગણી સરકાર સુધી પહોંચાડવાની ખાત્રી આપી હતી.
રાજયભરમાં છેલ્લા કેટલાંક દિવસોથી પાટીદાર સમાજ દ્વારા અનામતમાં સમાવેશ કરવાના મુદ્દે ઠેર-ઠેર રેલી આવેદનપત્રો, ચક્કાજામ જેવા કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે. રાજયભરમાં પાટીદારોએ આ મુદ્દે નગારે ઘા કર્યો છે ત્યારે રાજયમાં બ્રહ્મ સમાજ, ક્ષત્રિય સમાજે પણ અનામત માં સમાવેશ કરવાના મુદ્દે બાંયો ચઢાવી છે. આજે જિલ્લા ક્ષત્રિય રાજપુત સમાજની રેલીમાં આગેવાનોની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં યુવાનો બોર્ડ-બેનર સાથે સુત્રોચ્ચાર પોકારતી રેલી કલેકટર કચેરીએ પહોંચી હતી. સુરેન્દ્રનગર ખાતે ઔદિચ્ય બ્રહ્મ સમાજ, બ્રહ્મ મિત્ર મંડળ, ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતી-વઢવાણ, અન્નક્ષેત્ર ટ્રસ્ટ, શ્રીમાળી બ્રહ્મ સમાજ, તપોધન બ્રહ્મ સમાજ તેમજ પૂર્વ વિભાગ, પાલીવાર અને જોરાવરનગર બ્રહ્મ સમાજના આગેવાનોની આગેવાની હેઠળ સુરેન્દ્રનગર બ્રહ્મ સમાજની રેલી પણ કલેક્ટર ઓફિસ પહોંચી હતી.
બંને જ્ઞાતિ સમાજના લોકોએ અનામતનો લાભ આપવો, વસ્તી ગણતરીના 50 ટકાના પ્રમાણમાં અનામત ગણીને એસઈબીસીમાં સમાવેશ કરવો, મારું મારા બાપાનું અને તારું આપણું સહિયારું એ નિતી દૂર કરવી અર્થાત અનામતનો લાભ આપવો, શૈક્ષણિક તક વેળાએ વયમર્યાદામાં બીન અનામત વર્ગની બધીજ જ્ઞાતીઓને 28થી 35 વર્ષનો સમયગાળાનો લાભ આપવો આમ, વધુમાં ઘોડાના પગે સાંકળ બાંધી તેને સ્પર્ધામાં ઉતારવામાં આવે અને તે સ્પર્ધામાં અન્ય ધીમી ચાલનું પશુ આગળ નીકળી જાય તે કુદરતી ન્યાયના વિરુધ્ધમાં ગણાવી તંદુરસ્ત સ્પર્ધાની વ્યાખ્યા સ્પષ્ટ કરવા સહિત અડધો ડઝન માંગણીઓ સાથે તર્ક રજૂ કરી બંને જ્ઞાતીને આર્થિક અનામતનો લાભ આપવા મૌખીક અને લેખિત આવેદનપત્રો પાઠવ્યા હતા. આ તકે કલેકટર ઉદીત અગ્રવાલે કહ્યુ હતુ કે, તમારી અનામત મુદ્દેની લાગણીને સરકાર સુધી પહોંચાડાશે તેવી ખાત્રી આપી હતી.




No comments:
Post a Comment